આ છે અમદાવાદની ખાણીપીણીની બેસ્ટ જગ્યાઓ, મજા માણો સ્પેશિયલ ટેસ્ટની.. !!

અમદાવાદમાં હવે તો રોજબરોજ ખાણીપીણી માટે નવી નવી રેસ્ટોરંટ, ફૂડ ટ્રક પાર્ક, દુકાનો, ખુમચા ખુલતા જાય છે. અમદાવાદમાં લોકો કઈ હદના ખાણીપીણીના શોખીન છે અને ખાણીપીણીનું બજાર અહિયાં કઈ હદનું મોટું છે તેના માટે એક ઉદાહરણ જોઈએ તો કર્ણાવતી ક્લબ સામે ખુલેલા મૂળ રાજકોટના ખેતલાઆપા ટી સ્ટોલના રાજકોટમાં રોજ ૧૧૦૦ લિટર દૂધ વપરાતું તેની સામે જે તે સમયે અમદાવાદની એક તે જ બ્રાંચમાં ૨૧૦૦ લિટર દૂધ જોઈતું હતું.

હવે ખાણીપીણીના સ્થળો વિશે વાત કરતાં અગાઉ તે જ વિષયમાં થોડીક વાત કરી લઈએ તો,

અમદાવાદમાં ખાણીપીણીનું બજાર છેલ્લા ૪ -૫ વર્ષથી આટલું ઉંચકાવાનું કારણ

અમદાવાદમાં છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન શહેરની બહારથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રથી વિદ્યાર્થીઓ અને યુવાનોનું મોટાપાયે સ્થળાંતર થયું છે. સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણની તક ના હોવાને કારણે, નોકરી ના મળતી હોવાને કારણે અથવા તો છોકરાઓને ગામડામાં છોકરી ના મળતી હોવાને કારણે શહેરમાં આવવું જરૂરી બન્યું છે, સૌરાષ્ટ્રના લોકો હરવા ફરવા અને ખાવાપીવાના શોખીન હોય છે, યુનીવર્સીટી અને તેની આસપાસના વિસ્તારો તો હવે સૌરાષ્ટ્રના યુવાનોથી જ છલકાય છે.

ત્યારે સૌરાષ્ટ્રની વાનગીઓ ગાંઠીયા, ફાફડા, બટાકા ભૂંગળા, ભજીયા જેવી આઈટમોની લારીઓ – દુકાનો એટલે જ અમદાવાદમાં આટલા મોટા પ્રમાણમાં ધમધમતી થઇ છે.

અમદાવાદમાં ખાણીપીણીના વિખ્યાત સ્થળો :

હવે મૂળ મુદ્દાની વાત કરીએ તો આપણે ખાણીપીણીના સ્થળોમાં નવા અને જુના અમદાવાદની દરેક વિખ્યાત હોય તેવી જગ્યાઓ અને બજારોની વાત કરીશું.

માણેકચોક

ખાણીપીણીની તો દુર પણ અમદાવાદની વાત હોય, ત્યારે તેમાં પણ માણેકચોકનું સ્થાન કંઈક વિશેષ જ છે તેમાં જો આપણે ખાવાપીવાની જ વાત કરતાં હોઈએ તો પ્રથમ સ્થાન માણેકચોકનું જ હોય તેમાં કોઈ બેમત નથી.

મૂળ માણેકચોકની વાત કરીએ તો તે ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ઘરેણા બજાર છે, જ્યાં રાત્રે ખાણીપીણી બજાર ભરાય છે. કદાચ તમે જો તે સ્થળેથી બપોરે નિકળો તો વિચારી ના શકો કે રાત્રે અહિયાં જ આવું ખાણીપીણી બજાર ભરાતું હોય છે.

માણેકચોકમાં મળતી ખાવાની વાનગીઓની વાત કરીએ તો,

ગાંઠીયા, ફાફડા અને જલેબી – શહેરમાં ક્યાય ના મળતા હોય તેવા ગાંઠીયા – ફાફડા અને જલેબી માણેકચોકમાં મળે છે. માણેકચોકની શરુઆત જ ત્યાંથી થાય છે. જનરલી જયારે પરિવારો અહિયાં આવતા હોય છે તો વડીલો ગાંઠીયા ખાવામાં અને બાળકો અન્ય ફેન્સી આઈટમો ખાવામાં વહેંચાઇ જાય છે.

આ ઉપરાંત માણેકચોકમાં ભેલપૂરી, રગડા પેટીસ, ચાટ, પાણીપુરી, ભાજીપાઉ, પુલાવ, ચાઇનીઝ, અલગ અલગ ફ્લેવરના પીઝા અને ક્યાય ના મળતી હોય તેવી અલગ જ સેન્ડવીચ (ચોકલેટ, આઈસ્ક્રીમ, ઘૂઘરા સેન્ડવીચ), ભજીયા, ગોટા.

આ બધું તો ઠીક પણ ત્યાંના વિશેષમાં જોઈએ તો, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ક્યાય ના મળતા હોય તેવા એક્સક્લુઝીવ ઢોંસા તમને માણેકચોકમાં મળી રહે. કદાચ ભલે હવે માણેકચોકમાંથી જોઇને બહાર બધે શીખ્યા હશે પણ માણેકચોક જેવો તો ટેસ્ટ બીજે ક્યાંય મળવો મુશ્કેલ છે.

તે છે ગ્વાલિયર ઢોંસા અને ગોટાળા ઢોંસા આ ઉપરાંત માણેકચોકથી જ શરુ થયેલ બસ્તીરામની અને બાદમાં આવેલ અશરફીની કુલ્ફી એટલે પણ ના પૂછો વાત..!! આ ઉપરાંત કોઠીનો આઈસ્ક્રીમ અને છેલ્લે મુખવાસ.

માણેકચોકમાં આમ તો દરેક પ્રકારની ખાણીપીણીની વાનગીઓ મળે છે, કદાચ એક વખતમાં તો બધી વસ્તુઓ ટેસ્ટ ના પણ કરી શકાય પરંતુ આજે અમદાવાદ પશ્ચિમ દિશામાં વિકસી ગયા બાદ પણ માણેકચોકની તો એટલી જ બોલબાલા છે અને હજુ રહેશે પણ..

લો – ગાર્ડન

લો ગાર્ડનની જોડે આવેલું રાત્રી ખાણીપીણી બજાર પણ માણેકચોકની જેમ છેલ્લા ઘણા વર્ષોથી ભરાય છે. પહેલા અમદાવાદમાં માણેકચોક અને લો ગાર્ડન જ શહેરના મુખ્ય ખાણીપીણીના રાત્રી બજારો હતા.

આમ તો, લો ગાર્ડન ચણીયાચોળી માટે પણ વિશ્વભરમાં વિખ્યાત છે તો જોડે જોડે ત્યાંનું ખાણીપીણી બજાર પણ મોટું છે. લો ગાર્ડનનું ખાણીપીણી બજાર પશ્ચિમ અમદાવાદમાં આવેલું છે.

આ ખાણીપીણી બજારમાં પણ ભાજીપાઉં, ઢોસા, દાલવડા, સેન્ડવીચ, પીઝા, ભેલપૂરી, આઈસ્ક્રીમ જેવી અનેક વાનગીઓ મળે છે. અમદાવાદની કુલ્ફી માટે ફેમસ અશરફી પણ લો ગાર્ડનથી જ શરુ થઇ હતી. જો કે સમય જતા હવે લો ગાર્ડન ખાણીપીણી બજારમાં ઈંડાની પણ આઈટમો મળવાની શરુ થઇ છે.

જો કે હાલમાં લો ગાર્ડનનું આ માર્કેટ બંધ છે, ત્યાં મ્યુનિસિપલ દ્વારા એક આયોજિત રીતે આ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તે કામગીરી થઇ જાય બાદમાં ફરીથી ત્યાં નવા સ્વરૂપમાં ખાણીપીણી બજાર ખુલશે.

SBR સોશિયલ

SBR Social આજકાલ ફૂડ ટ્રક પાર્કમાં સૌથી મોટું આકર્ષણ છે, ગુજરાતનો સૌથી મોટો ફૂડ ટ્રક પાર્ક પણ તેને કહેવાય છે. તેમાં રેસ્ટોરંટની જેમ એસી ડાઈનીંગ હોલ પણ છે, અલગ અલગ કોન્સેપ્ટમાં બેસવાના ટેબલ બનાવાયા છે.

તો વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ છે, નાનું થીએટર પણ છે તો એકદમ મોડર્ન અને વિદેશમાં હોય તેવું ઇન્ટીરીટર છે તો ત્યાં મોડર્નથી લઈને દેશી ફૂડ સુધીનું મળી જાય.

બેસવાની અલગ અલગ પ્રકારે થઈને ઘણી વિશાળ જગ્યા છે. ત્યાં અલગ અલગ દરેક પ્રકારના સ્ટોલસ છે તો તેનું લોકેશન પણ સિંધુ ભવન રોડની સેન્ટરમાં છે, હજુ એક વર્ષ પણ નથી થયું તેમ છતાં ત્યાં સૌથી વધારે ક્રાઉડ ભેગો થતો હોય છે એટલે તેની આજના વર્ગમાં ફેવરીટ કહી શકાય.

બંસીધરની કચોરી

આમતો તમને થશે કચોરીમાં શું નવી વાત.. પણ એતો તમે બંસીધરની કચોરી ખાવ તો જ ખબર પડે. અમદાવાદ શહેરના જુના પોળ વિસ્તારમાં ઘીકાંટાથી આગળ હનુમાનવાળી પોળની બહાર આવેલી બંસીધરની કચોરી આજકાલની નહી પણ વર્ષોના વર્ષોથી ફેમસ છે. તેમની કચોરી ખાનારો એક વર્ગ વર્ષોથી બંધાયેલો જ છે.

શહેરના એકદમ વ્યસ્ત અને સાંકડા એવા આ રસ્તે નોકરી – ધંધા અર્થે દોડધામ કરતો વ્યક્તિ બંસીધરની ક્ચોરીએ વિરામ લઈને આહલાદક સ્વાદવાળી કચોરી ખાવાનો ટેસ્ટ માણે છે. બહારના લોકો માટે તો પોળ વિસ્તાર ગૂંચવાડા ભર્યો જ લાગે પરંતુ અમદાવાદમાં વસતા હોવ અને આ વિસ્તારમાં નીકળો તો જરૂરથી એકવાર ટેસ્ટ કરવા જેવી છે બંસીધરની કચોરી.

નવતાડના સમોસા

નવતાડના સમોસા.. આ નાની સાઈઝના ટેસ્ટી – લિજ્જતદાર સમોસાની આગળ નવતાડ નામ તેની શરુઆત અમદાવાદના કોટ વિસ્તારમાં કાપડના માર્કેટથી ધમધમતા ઘી કાંટા વિસ્તાર પાસે આવેલી નવતાડની પોળથી થયેલ અને તેના પરથી પડ્યું છે.

સમોસાની વાત નીકળી છે તો તમને એ પણ જણાવી દઈએ કે તમે સમોસાને મૂળ ભારતીય ફરસાણ માનતા હશો.. પરંતુ એવું નથી, સમોસાની શોધ અને શરુઆત ઈરાનથી થયેલી અને પછી તેની અલગ અલગ વેરાઈટી આપણા ભારતમાં પણ શરુ થઇ હતી. સમોસા વિશ્વનું પ્રથમ ફાસ્ટફૂડ પણ કહેવાય છે.

નવતાડના સમોસા સાઈઝમાં નાના હોય છે, સાઈઝમાં નાના દરેક સમોસા નવતાડના નથી બની જતા. ચણાની, મગની, અડદની, તુવેરની દાળ સાથેનો મસાલો ભરેલો હોય અને ટેસ્ટફૂલ લીલી ચટણી હોય ત્યારે તે બને છે અસલ નવતાડના સમોસા. નવતાડની પોળમાં આ સમોસાની અનેક દુકાનો આવેલી છે.

જો કે હવે ઘણી દુકાનોની બીજી શાખા પશ્ચિમ અમદાવાદમાં પણ થઇ ચુકી છે અને જૂની દુકાન કરતાં વધુ વેપાર ત્યાં થતો થઇ ગયો છે તો સાથે સાથે અમદાવાદીઓને પણ ટ્રાફિકવાળા શહેરના સાંકડા રસ્તાને બદલે નવતાડના સમોસાનો ટેસ્ટ પશ્ચિમ વિસ્તારમાં મળતો થયો છે.

નવતાડના સમોસા ઉપરાંત ત્યાનું ચવાણું પણ ઘણું સ્વાદિષ્ટ હોય છે. ખાણીપીણીના શોખીનો માટે નવતાડના સમોસા ખાવ એટલા ઓછા પડે એવી વાનગી છે.

લકીની ચા

અમદાવાદ શહેરના વ્યસ્ત લાલ દરવાજા વિસ્તારમાં સિટી કોલેજ સામે આવેલી ન્યુ લકીની ચા વર્ષોના વર્ષોથી ફેમસ છે. એક લારીથી શરુ થયેલી લકીની ચા આજે રેસ્ટોરંટમાં ફેરવાઈ ગઈ છે પરંતુ તેનો સ્વાદ અને નામના હજુપણ પહેલા જેવા જ છે.

લકીની ૧૫ રુ. ની એક કપ ચા પીવાથી જે સંતોષ મળે છે તે કેફેની ૧૦૦ રુ.ની ચામાં પણ નહી મળતો હોય. લકીની ચા અને તેની સાથે તેનું મિક્સ્ડ ફ્રુટ મસ્કાબન મળે એટલે પછી એના જેવું કઈ જ નહી. વિશ્વ વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈન પણ લકીની ચાના સ્વાદરસિક હતા.

આ ઉપરાંત એમ.એફ. હુસૈને લકીમાં બેસીને ચિત્રો પણ બનાવ્યા છે. લકીની ચા પીને એમ.એફ. હુસૈનને ચિત્ર બનાવવાની કઈક અલગ જ મજા આવતી હતી. લકીની ચા થોડીક ચોકલેટી ટેસ્ટની હોય છે અને અમદાવાદ ઉપરાંત બહારગામના પણ અનેક લોકો લકી પર ચા પીવા સ્પેશીયલ જતા હોય છે.

આ ઉપરાંત એમ.એફ. હુસૈને ન્યુ લકી ટી સ્ટોલને એક ચિત્ર પણ વર્ષ ૨૦૦૪ માં ભેટ આપ્યું હતું, જે આપણને ત્યાની દીવાલ પર દેખાય છે.

ગુજરાત અને અંબિકાના દાળવડા

અમદાવાદમાં બેસ્ટ દાળવડા ખાવા હોય તો તેના માટે ગુજરાત કોલેજ પાસે આવેલા ગુજરાતના દાળવડા અને નવરંગપુરા અંબિકાના દાળવડા મળી રહે.

અંબિકાના દાળવડાની નવરંગપુરા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ બ્રાંચ ખુલી ગઈ છે. આ ઉપરાંત અંકુર અને ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા આનંદના દાળવડા પણ ઘણા ફેમસ છે.

આ સ્થળો પર ચોમાસા દરમિયાન દાળવડા ખરીદવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે. દાળવડામાં આ સ્થળોના એકધારા ટેસ્ટને કારણે લોકો આજેપણ ત્યાંથી દાળવડા લેવા પડાપડી કરતાં હોય છે.

આ જગ્યાઓ પર રોજના હજારો કિલો દાળવડાનું વેચાણ થતું હોય છે. તેમને ત્યાં દાળવડા ઉપરાંત લોકો તેનું ખીરું પણ લઇ જતા હોય છે.

રાયપુર – આસ્ટોડિયા અને મયુરના ભજીયા

અમદાવાદમાં ભજીયા માટે જુના શહેરમાં રાયપુર દરવાજા પાસેના રાયપુર ભજીયા, આસ્ટોડિયા દરવાજા પાસે આસ્ટોડિયાના ભજીયા અને અંકુર તેમજ ડ્રાઈવઈન રોડ પર આવેલા મૂળ જુનાગઢના મયુરના ભજીયા ફેમસ છે.

આ સ્થળોએ ભજીયા, બટાકાવડા, ટીકડીવડા, ગોટા તેમજ અલગ અલગ પ્રકારના ભજિયા મળતા હોય છે. રાયપુર ભજીયા હાઉસ તો વર્ષ ૧૯૦૩ થી અમદાવાદીઓને અવિરત એક ટેસ્ટ આપે છે.

આ સ્થળોએ ભજીયાનો સ્વાદ લીધા બાદ ચોક્કસ તમે ઘરના લોકો માટે પેક કરાવીને લઇ જવાની ઈચ્છા થશે.

રુક્ષ્મણીની પાણીપુરી

આમતો અમદાવાદમાં પાણીપુરીની અસંખ્ય લારીઓ અને દુકાનો જોવા મળશે. દરેક વિસ્તારની ફેમસ પાણીપુરીની લારીવાળા જોવા અને સાંભળવા મળશે, પાણીપુરી માટે અનેક જગ્યાએ કોઈ મોટી ઘટના બની ગઈ હોય તેમ ટોળે વળી જતા હોય છે.

જો કે શહેરમાં સૌથી જૂની પાણીપુરીની દુકાન હોય તો તેમાં શહેરના રીલીફ રોડ પર ઝવેરીવાડના નાકે આવેલી રુક્ષ્મણીની પાણીપુરી જ હશે. જો તમે જુના અમદાવાદી હશો અથવા તો તમારો પરિવાર જુનો અમદાવાદી હશે તો રુક્ષ્મણીની પાણીપુરી વિશે જાણતા જ હશો.

અનેક મોંઘી મોંઘી પાણીપુરી અને રેસ્ટોરંટ આવવા છતાં જો સ્વાદની દ્રષ્ટીએ જોઈએ તો રુક્ષ્મણીની પાણીપુરીનો ટેસ્ટ એકધારો જ છે. અમદાવાદમાં પાણીપુરીને પકોડી કહેવાય છે. આ સ્થળે નાયલોન પકોડી પીરસાય છે.

તો આ ઉપરાંત વિજય ચાર રસ્તા પાસે જગદીશની પાણીપુરી પણ ઘણી પ્રખ્યાત છે. જગદીશની પાણીપુરી ઉપરાંત ચાટ અને ભેળ ખાવા પણ બપોરથી રાત સુધી ભીડ જામેલી રહેતી હોય છે.

H.L. – સેપ્ટના રોડ પર કોલ્ડ કોકો અને મેગી

અમદાવાદની ફેમસ અને જ્યાં એડ્મિશન લેવા યુવાનો સપનું સેવતા હોય છે તેવી H.L. કોલેજ અને તેની સામેના રોડ પર આવેલા પ્રીમિયર ઇન્સ્ટીટયુટ CEPT ની બહારના રોડ પર કોલ્ડ કોકો અને મેગીની લારીઓનું માર્કેટ છે.

કોલેજીયન યુવાનોથી ધમધમતા આ રોડની અલગ રોનક છે. હાર્લી ડેવિડસન અને રોયલ એનફિલ્ડના ફાયરીંગ અને હાયાબુઝા જેવી રેસિંગ બાઈકના આંટા ફેરાથી વ્યસ્ત આ રોડ પર કોલ્ડ કોકો પીવા સવારથી મોડી રાત્રી સુધી ભીડ રહેતી હોય છે.

આ ઉપરાંત મેગીની લારીઓ જેમાં અલગ અલગ પ્રકારની મેગી – પાસ્તા, સેન્ડવીચ, મેક્સિકન ફૂડ અને અન્ય નાસ્તાની લારીઓ ઉભી રહે છે. તો અહિયાં મોંઘી ગાડીમાં બેસી નાસ્તો કરી વટ પાડતા લોકો પણ જોવા મળશે.

HL કોલેજના રોડથી શરુ થઈ ડાબી બાજુ સેપ્ટ થઈને યુનિવર્સીટી રોડ સુધી L પ્રકારના રસ્તા પર ખાણીપીણીનું આ બજાર ભરાય છે. આજકાલ દરેક સ્થળોએ કોલ્ડ કોકો – કોલ્ડ કોફી મળે છે તેમજ અનેક કેફે ખુલી ગયા છે પરંતુ વર્ષોથી કોલ્ડ કોકો માટે એચ.એલ. રોડ પર ઉભી રહેતી લારીઓ જ ફેમસ છે.

જો કે ખુલ્લા વાતાવરણમાં બાઈક – એકટીવાનું સ્ટેન્ડ ચડાવી મરજી પડે ત્યાં સુધી બેસી રહેવા મળતું હોવાથી અને ફાવી ગયેલા ટેસ્ટને કારણે આ સ્થળ આજેપણ યુવાનો માટે ફેવરીટની કેટેગરીમાં આવે છે.

લિજ્જત અને દાસના ખમણ

હવે ખાવાપીવાની વાત કરીએ અને તેમાં ગુજરાતની ફેમસ વાનગી ખમણ રહી જાય તો કેમનું ચાલે ? અમદાવાદમાં ખમણની અનેક લારીઓ અને દુકાનો આવેલી છે.

દરેક વિસ્તારમાં લોકલ લેવલે ફેમસ ખમણ, સેવખમણી, ખાંડવી મળતા હોય છે, પણ તેમાં જો સૌથી વધુ જો ફેમસ હોય તો મણીનગરમાં આવેલ લિજ્જતના ખમણ અને પહેલા નવાવાસ, ખમાસા અને હવે સમગ્ર શહેરમાં અનેક બ્રાંચ ધરાવતા દાસના ખમણ છે.

આ ઉપરાંત મણીનગરમાં જલારામ ખમણ હાઉસ પણ ઘણું ફેમસ છે.

આ સ્થળોએ ખમણનો એકધારો સ્વાદ, અલગ અલગ વેરાઈટી તેમજ ચટપટી ચટણી તમને મજા લાવી દે તેવી હોય છે.

આ ઉપરાંત ત્યાંથી નજીક ગુજરાત યુનીવર્સીટી જોડે પણ ખાણીપીણીનું બજાર આવેલું છે, તો સી.જી. રોડ પર મ્યુનીસીપલ માર્કેટ અને તેની આસપાસ પણ ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે.

આ ઉપરાંત શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તે પણ નાસ્તાની ઘણી દુકાનો આવેલી છે, જ્યાં વિશેષ કરીને રાત્રે ઘણી ભીડ જોવા મળતી હોય છે, જ્યાં તમને ફેમસ રગડાપેટીસ, દાળવડા, ભજીયા, પીઝા, અને સેન્ડવીચ ખાવા મળી જાય.

આ સ્થળો સિવાય જો વાત કરીએ તો હવે અમદાવાદમાં હવે નવો ફૂડ ટ્રક પાર્ક, સ્ટ્રીટ ફૂડ પાર્કનો કોન્સેપ્ટ પણ હમણાથી બહુ ચાલી રહ્યો છે. એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવીવાળા રોડથી જ અનેક ધાબા – હોટલો ઉપરાંત ગોતા બ્રિજ પાસે, ઝાયડસ ક્રોસ રોડ્સ, કર્ણાવતી ક્લબ સામે, મકરબા, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ પર બોપલ અને તેની આસપાસ, ઘાટલોડિયા સહીતના સ્થળોએ ફૂડ ટ્રક પાર્ક ખુલી ગયા છે.

જેમાં એક પ્લોટમાં ૨૦ થી ૨૫ જેટલા સ્ટોલ આવેલા હોય છે અને તેમાં અલગ અલગ વાનગીઓ મળતી હોય છે. આ સિવાય નવરંગપુરા, એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ, રાજપથ રોડ પર અનેક કેફેઝ આવેલા છે, તો રાજપથ ક્લબની સામે પણ અનેક લારીઓનું ખાણીપીણીનું માર્કેટ ભરાતું હોય છે.

તો ઉપર જણાવેલા સ્થળો પ્રમાણે તમને ભાવતી કોઇપણ વસ્તુ હશે તેનો તેમાં સમાવેશ થઇ જ ગયો હશે, કદાચ તમે ઉપર જણાવેલી અમુક વાનગી અન્ય સ્થળોએ ખાધી હશે અને ટેસ્ટના મામલે દરેક વ્યક્તિમાં વિભિન્નતા જોવા મળતી હોય છે એટલે એક જગ્યાનો ટેસ્ટ કોઈને ગમતો હોય તો કોઈને ના પણ ગમતો હોઈ શકે પરંતુ આપણે જનરલ પબ્લિકમાં જે સ્થળોની લોકપ્રિયતા છે તેમના અંગે જણાવ્યું છે.

આ ઉપરાંત તમને પસંદ હોય તેવી અન્ય ઘણી જગ્યાઓ હોઈ શકે છે પણ શબ્દોની મર્યાદાને કારણે હજુ ઘણા સ્થળો વિશે લખવું હોવા છતાં લખી નહી શકાય. જો તમારું કોઈ સૂચન કે પ્રશ્ન હોય તો તે કમેન્ટમાં કહી શકો છો.

તો અમદાવાદીઓ, ખાવાપીવાના શોખીનો તેમજ અમદાવાદ આવતા અન્ય લોકોને માટે આ માહિતી ઘણી ઉપયોગી નિવડશે, તમને જરૂરથી આ આર્ટીકલ પસંદ પડ્યો હશે..

તો જરૂરથી તમારા ફ્રેન્ડસમાં શેર કરજો..